પાઠ18 ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ




EBOOK



·         અર્થતંત્રમાં તમામ ક્ષેત્રે ભાવોમાં સતત અને એકધારા ઊંચા દરે થતા વધારાને ફુગાવારૂપી ભાવ વધારો કહે છે.
·         સ્થિરતા સાથે થતો ભાવવધારો એ અર્થતંત્ર માટે પોષણ રૂપ છે.
·         ઉત્પાદન ખર્ચમાં થતો વધારો ભાવ વધારા કરતા ઓછી હોવાથી નફાનો ગાળો વધે છે, તેથી તેનું નવું મૂડીરોકાણ કરવાનું પ્રોત્સાહન મળે છે.
·         સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે.
·         ખૂબ વધારે પડતું નાણું થોડીક જ વસ્તુઓને પકડવા માટે પાછળ દોડે છે, એવી ભાવવૃદ્ધિની પરિસ્થિતિને ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવાય છે.
·         હંમેશા ભાવ વધારો ફુગાવાજન્ય હોતો નથી.
ભાવવૃદ્ધિના કારણો
·         ભાવવૃદ્ધિ માટેના મુખ્યત્વે બે પરિબળો
A.      અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકવાના પરિણામે.
B.      તેની સામે દેશની કુલ માંગમાં તીવ્ર પણે વધારો થવાના કારણે.
(1) નાણાંના પુરવઠામાં વધારો- ત્રણ રીતે વધારો થાય છે.
A.      ખાદ્ય પુરવણી દ્વારા એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા.
B.      નાણાંના ચલણવેગમા વધારો એટલે કે બજારમાં નાણાની લેવડ દેવડ વધે.
C.      શાખ- વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને.
·         ખરીદશક્તિમાં વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે.
·         ખરીદશક્તિ વધતા, કુલ માંગ વધતાં અને સામે કુલ પુરવઠામાં વધારો ન થતાં સરવાળે ભાવ વધારો જન્મે છે.
·         ભાવવધારો એ નાણાંના પુરવઠામાં થયેલ વધારાનું પરિણામ પણ છે અને કારણ પણ છે.
 (2) વસ્તી વધારો- ભારતમાં સરેરાશ 1.9 ટકાના દરે વસ્તી વધે છે ભારતની કુલ વસ્તી 2011 માં 121 કરોડ નોંધાઇ હતી.
(૩) નિકાસમાં વધારો- સરકાર દ્વારા નિકાસ વધારવાના પ્રોત્સાહક પગલાને કારણે નિકાસની ચીજ વસ્તુઓની સ્થાનિક કે આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે છે. 
(4) કાચામાલની ઊંચી કિંમતે પ્રાપ્તિ- કાચા માલની અછત વર્તાય અને તેની કિંમત વધે તેથી વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધે છે અને તે વસ્તુની કિંમત વધે છે.
(5) બિનનોંધાયેલ નાણાંનું ચલણ (કાળું નાણું) સરકારને ચૂકવવાપાત્ર થતાં કરવેરામાંથી બચવા કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવામાં આવતાં નથી. કેટલાક લોકો પોતાની ઉંચી આવક કે વધારાની આવક છુપાવે છે આમ હિસાબી ચોપડે નહીં નોંધાયેલ અને જેના ઉપર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવક ને કાળું નાણું કહે છે.
(6) સરકાર દ્વારા ભાવ વધારો- સરકાર વખતોવખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશો, રાસાયણિક ખાતર વગેરે કૃષિ પાકોના ટેકાના ભાવો વધારે અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે.
(7) કુદરતી પરિબળો- અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આફતોના કારણે તેમજ યુદ્ધ, તોફાનો, આંદોલન, હડતાલ કે ઔદ્યોગિક અશાંતિ કારણોસર, તાળાબંધી જેવા માનવીય પરિબળોના કારણે ઉત્પાદન ધટે છે.
(8) દાણચોરી, સંગ્રહખોરી અને કાળાબજાર- કેટલીક વખત આયાત જકાતના ઊંચા દરોને કારણે તેમજ અમુક ચીજોની આયાતો પર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધના લીધે જકાતચોરી કરવાના ઇરાદે, ચોરી છૂપીથી, કરવેરા નહિ ભરીને વિદેશી માલસામાન દેશમાં છે જેને દાણચોરી કહેવાય છે.
·         ભવિષ્યમાં ભાવો વધવાના છે એવી અટકળો કે અફવા કે આગાહીના કારણે.
·         સમાજના બધા જ વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો, વસ્તુનો જથ્થો વત્તા ઓછા પ્રમાણમાં સંગ્રહખોરી કરે છે.
ભાવ નિયંત્રણ શા માટે
1.       ભાવ વધારાથી નફામાં વધારો, આવકમાં વધારો, ખરીદશક્તિમાં વધારો, ચીજવસ્તુ-સેવાઓની માંગમાં વધારો, વસ્તુઓના ભાવમાં વધારો એ વિષચક્ર સતત ચાલ્યા જ કરે છે.
2.       ભાવવધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે. વિદેશી મૂડીરોકાણ ઘટે છે.
3.       આવશ્યક ચીજ-વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, અછત સર્જાય છે.
4.       દેશની નિકાસમાં ઘટાડો થતા અને આયાતો વધતાં હૂંડિયામણની સમતુલા ખોરવાઇ જાય છે આયાત-નિકાસમાં અસંતુલન સર્જાઈ છે.
5.       ભાવ વધારાથી ગરીબ કે મધ્યમવર્ગનું જીવનધોરણ કથળે છે. સમાજનું નૈતિક અધઃપતન થાય છે.
ભાવવધારાને નિયંત્રણ લેવાના ઉપાયો
1.   નાણાકીય પગલાઓ
·         મધ્યસ્થ બેંક અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે છે.
·         મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણનીતિમાં વ્યાજના દર ઉંચા કરે છે. 
·         બેંક દરમાં વધારો થતાં વ્યાપારી બેન્કોએ ધિરાણ દર વધારવો પડે છે.
·         બેંકોની રોકડ અનામતના પ્રમાણમાં વધારો.
·         ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને વ્યાપારી બેંકોની અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે છે.
2.  રાજકોષીય પગલાં
"રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક-ખર્ચ અંગેની નીતિ,   કરવેરા વિષયક અને જાહેરઋણની નીતિ."
·         સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડે, વહીવટી ખર્ચમાં કરકસર અને બિન-જરૂરી ખર્ચમાં ઘટાડો કરે છે.
·         નિકાસ ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે અને આયાતો પર ઊંચા દરે જકાત નાખીને આયાતી વસ્તુઓ મોંઘી બનતા આયાતો ઘટે છે.
·         જાહેરઋણની નીતિ: જાહેરઋણની નીતિ અનુસાર સરકારે લોનો બહાર પાડીને કે 'ફરજીયાત બચતયોજના' જેવી સ્કીમ લાવીને સમાજમાંથી થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે, પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપ વધારે, શ્રીમંત વર્ગની વપરાશી કે મોજશોખની વસ્તુઓ પર ઊંચા દરે કર નાખે જેથી તેનું ઉત્પાદન ઘટે અને આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે.
3.  મૂડીરોકાણ પર અંકુશ
બિનજરૂરી અને મોજશોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે અને ઉત્પાદકીય સ્વરૂપના કૃષિઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે.
4.  ભાવનિયમન અને માપબંધી
ભાવવધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું તે જાહેરવિતરણ પ્રણાલી (PDS) છે, જે ભારતમાં 1977થી અમલમાં આવી હતી. જેનો હેતુ સમાજના નિમ્ન આવકજૂથને, ગરીબી રેખા નીચે જીવતા ગરીબો, આવશ્યક ચીજવસ્તુઓ વાજબીભાવે વાજબી ભાવનીદુકાનો  (FPSS)દ્વારા ઉપલબ્ધ કરવાનો છે. આજે દેશમાં અંદાજે 4.92 લાખ વાજબી ભાવની દુકાનો (FPSS) છે. 
‘વાસ્તવિક ભાવ અને વાજબી ભાવની દુકાનોમાં વસ્તુઓના ભાવોનો તફાવત સરકાર ચૂકવે છે. આ રકમને સબસીડી કહે છે’.
5.  ભાવનિર્ધારણ તંત્ર
સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે 'આવશ્યક ચીજવસ્તુઓ માટે નો ધારો 1955' અમલમાં મુક્યો છે. સંગ્રહાખોરો, કાળાબજારિયાઓ, સટ્ટાખોરો સામે સઘન ઝુંબેશરૂપે 'પ્રિવેન્શન ઓફ એન્ટીસોશિયલ એક્ટિવિટી એક્ટ(PASA)' હેઠળ જરૂર પડ્યે કાયદેસર અટકાયત કરવામાં આવે છે.
સરકારે અત્યાર સુધીમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્યતેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવેનૂર વગેરેના ભાવો ભાવનિર્ધારણતંત્રના આધારે નક્કી કર્યા છે.
ગ્રાહક જાગૃતિ (જાગો ગ્રાહક જાગો)
 ગ્રાહક જે વસ્તુ માલ કે સેવાના નાણાં કે અવેજના બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહે છે.  ગ્રાહક સુરક્ષા એક ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે. ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકામાં 'રાલ્ફનાડરે' ગ્રાહકવાદની ચળવળ ઉપાડેલી હતી. તેથી તેને  ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે.
ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ

·         પેકીંગ ઉપર લખ્યા કરતા ઓછું વજન,
·          હલકી-ખામીયુક્ત કે નકલી વસ્તુ-માલ કે સેવા પૂરી પાડીને,
·          છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલીને,
·          આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળ વાળી વસ્તુઓ પૂરી પાડીને વેચાણ,
·          લોભામણી કે ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહકની છેતરામણી,
·         નકલી માલ સામાન વેચીને , કૃત્રિમ અછત ઉભી કરીને.
ગ્રાહકના શોષણના કારણો
1.   ગ્રાહક પોતે જવાબદાર
·         યોગ્ય જાણકારીના અભાવે વેપારીઓ, ઉત્પાદકો, યોજકો દ્વારા ગ્રાહકનું વિવિધ પ્રકારે શોષણ કરીને તેમના ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. 
2.  મર્યાદિત માહિતી
·         મૂડીવાદ અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા નિર્માતા અને વિક્રેતા કોઈપણ ચીજવસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. મર્યાદિત માહિતી મળવાને કારણે ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરી બેસે છે.  
3.  મર્યાદિત પુરવઠો
·         જ્યારે વસ્તુ કે સેવા ની માંગની સામે પૂરતી માત્રામાં તેનો પુરવઠો નથી હોતો ત્યારે કુત્રિમ અછત સર્જાય છે. ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવો મેળવીને ગેરલાભ ઉઠાવાય છે.
4.  મર્યાદિત હરીફાઈ
·         જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વહેંચણીમાં પોતાનો અધિકાર ભોગવે છે, ખામીયુક્ત સેવા અને હલકો માલસામાન પધરાવે છે.
ગ્રાહક સુરક્ષાક્ષેત્રે ગ્રાહક જાગૃતિ
·         સૌપ્રથમ ભારતમાં ગ્રાહકના રક્ષણ અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગ અને વેપાર દ્વારા ગ્રાહક સાથે કરતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ છે.
·         અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલીન કેનેડીએ અમેરિકાની સંસદમાં તા. 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોના 4 અધિકારો આપ્યા.
·         કંઝુમર્સ ઇન્ટરનેશનલ' આંતરરાષ્ટ્રીય સંગઠને તા. 15 માર્ચ 1983ના રોજ ગ્રાહકોના 4 અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું.
·         વિશ્વમાં પ્રત્યેક વર્ષની 15મી માર્ચને 'વિશ્વ ગ્રાહક અધિકાર દિન' તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની (યુનો)એ તેમની તારીખ 16મી એપ્રિલ, 1985ની સભામાં 'યુનાઇટેડ નેશન્સ ગાઇડલાઈન્સ ફોર કન્ઝયુમર્સ પ્રોટેકશન' ના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારોને ઘોષિત કર્યા.
·         ભારતીય સંસદે ‘રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986’ ઘડી કાઢ્યો, જેને રાષ્ટ્રપતિએ તારીખ 24મી ડિસેમ્બર, 1984ના રોજ સહી કરીને મંજૂરી આપી હતી.
·         ભારતમાં પ્રત્યેક વર્ષે તારીખ 24 ડિસેમ્બર 'રાષ્ટ્રીય ગ્રાહક  અધિકાર દિન' તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. 
·         ગુજરાત સરકારે તા. 18મી ફેબ્રુઆરી 1988ના રોજ 'ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો 1988' અમલમાં મૂક્યો.
ગ્રાહકોના અધિકારો અંગે કાયદો
·         ભારતમાં સામાજિક-આર્થિક કાયદાઓના ઇતિહાસમાં 'ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986' એક સીમાચિન્હરૂપ અને લોકોપયોગી કાયદો છે.  
1. ગ્રાહક સેવા સંબંધી
·         માલના સંદર્ભમાં ગ્રાહક એટલે જેને કાયદાનું રક્ષણ છે તે.
1.       જે કોઈ વ્યક્તિ કોઈપણ ચીજવસ્તુ કે માલ કે સેવાની પૈસા આપીને અથવા અવેજના બદલામાં ખરીદી કરે છે. 
2.       હપ્તામાં ચૂકવણી કરીને અથવા ભાડાખરીદ પદ્ધતિ હેઠળ કોઈ માલ કિંમત ચૂકવીને ખરીદે.
2. ગ્રાહકકોના અધિકારો (હકો)
1.   સલામતિનો અધિકાર
1.       'જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજવસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિકર્તા  હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે'
2.  માહિતી મેળવવાનો અધિકાર
1.       ગ્રાહકને માલ અને સેવાની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ.
3.  પસંદગી કરવાનો અધિકાર
1.       પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે, સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે.  
4.  રજૂઆત કરવાનો અધિકાર
1.       ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિનરાજકીય, બિનધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે. 
5.  ફરિયાદ નિવારણનો અધિકાર
1.       ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર છે.
6.  ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર
1.       આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન,ચતુરાઈ, ધૈર્ય અને કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે.
ગ્રાહકોની ફરજો
1.       વસ્તુઓની ખરીદીમાં ગુણવત્તા, વાજબી ભાવ, ગેરંટી કે વોરંટી, વેચાણ પછીની સેવા, કે BIS,ISI કે  એગમાર્ક' જેવા ગુણવત્તાના માનક ચિન્હો નિશાની વાળી જ વસ્તુઓ ખરીદવી જોઈએ.
2.       ખરીદી સમયે, વસ્તુ વિશેની તમામ માહિતી, લેબલ અને જાહેરાત મુજબ ચકાસીને, ખાતરી કરીને સમજુ અને જાગૃત ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય કરીને ખરીદી કરવી જોઈએ.
3.       ગ્રાહકે ખરીદેલ  માલનું કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની પાકી રસીદ લેવાનો  આગ્રહ રાખવો. વોરંટીકાર્ડ પણ વિક્રેતા પાસેથી ભરાવીને દુકાન ના સિક્કા સાથે વેપારીની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ.
4.       'સ્વૈચ્છિક ગ્રાહક મંડળો' કે સંગઠનો રચવા જોઈએ. સરકારની ગ્રાહક સંબંધી વિવિધ સમિતિમાં પ્રતિનિધિત્વ માંગવું જોઈએ.
5.       ખરીદીમાં પેકિંગ, કિંમત, ઉત્પાદન કર્યા તારીખ, બેચ નંબર, ચોખ્ખું વજન, અંતિમતિથિ, ઉત્પાદકનું નામ, સરનામું વગેરે જોઈને તપાસીને ચકાસીને ખરીદવાનો આગ્રહ હંમેશા રાખવો જોઈએ.
6.       ખરીદતી વખતે માલ ભળતો હોય, બનાવટી કે નકલી હોય, વજનમાં ઘટ પડતી હોય, તો તરત જ ગ્રાહકે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ.
7.       આકર્ષક જાહેરાતોથી અંજાઇ ને દેખાદેખીથી કે 'સેલ'માંથી બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું જોઈએ.
8.       ખરીદી વખતે વજનના માપિયા, વજનકાંટો, તોલમાપના સાધનો કે ઇલેક્ટ્રોનિક યંત્ર બરાબર છે કે કેમ તેની ખાતરી ગ્રાહકે કરવી જોઈએ.
9.       ગ્રાહક એ ઘરે ગેસ સિલેન્ડર આવે તો તેનો સીલ તપાસવું કે તે અકબંધ છે કે નહીં.
10.    રીક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને મીટરથી ભાવ પ્રમાણે બેસવું.
11.   રેલ્વે, બેંક, વીમો, ટેલિફોન, હોસ્પિટલ વગેરેની સેવામાં ઉપણથી શારીરિક, માનસિક અને આર્થિક નુકશાન સામે વળતર મેળવવા ગ્રાહક ફોરમમાં જાતે કે ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ કરવી જોઈએ.
12.   ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં યથાશક્તિ મદદ કરવી જોઈએ.
ગ્રાહક સુરક્ષાના ઉપાયો
·       ત્રિસ્તરીય અર્ધન્યાયી અદલતો
·         રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો-1986 અન્વયે “કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ”ની રચના કરી છે.
·         રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરી છે. 'રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે' ત્રિસ્તરીય અદાલતોનું માળખુ ઊંભું કર્યું છે.
1.   જિલ્લા ફોરમ(જિલ્લામંચ)
·         દેશમાં અંદાજે 571 ગ્રાહક જિલ્લા ફોરમ કાર્યરત છે. આ કોર્ટમાં અત્યારે ₹20 લાખ સુધીના વળતરના દાવા માટે તેની નિર્ધારિત ફી ભર્યેથી અરજી કરવામાં આવે છે
·         જીલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલા પક્ષકાર નિર્ણયની જાણ થયાના ૩૦ દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે.
2.  રાજ્યકમિશન (રાજ્યફોરમ)
·         દેશમાં અંદાજે હાલમાં 35 રાજ્ય ફોરમો કાર્યરત છે.
·         20 લાખથી એક કરોડ રૂપિયા સુધીના વળતર દાવાની રકમ માટેની ફરિયાદ નિર્ધારિત ફી ભર્યેથી  દાખલ થઈ શકે છે.
·         જીલ્લા ફોરમ થી નારાજ થયેલા કોઈપણ પક્ષકારે હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમુનામા અને દાવાની રકમના 50% અથવા રૂ 35000 ડિપોઝિટ ભર્યેથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકશે. 
3.  રાષ્ટ્રીય કમિશન(રાષ્ટ્રીય ફોરમ
·         એક કરોડથી વધુ વળતરના દાવા અંગેની અરજીઓ તેની નિર્ધારિત ફી કોર્ટમાં ભર્યેથી ફરિયાદ દાખલ થઇ શકે છે.
·         પાંચ સભ્યોની બેંચ આ કમિશનના સભ્યો હોય છે.
·         રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશને શક્ય એટલો વહેલો એટલે કે અરજી દાખલ કર્યા તારીખથી 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો છે.
·         રાષ્ટ્રીય કમિશન થી નારાજ થયેલા વ્યક્તિ કે પક્ષકાર આ કમિશનના હુકમ થી ૩૦ દિવસમાં સુપ્રીમ કોર્ટમાં નિર્ધારીત શરતોએ અપીલ દાખલ કરી શકે છે.
·       ગ્રાહક મંડળો ( ગ્રાહક સુરક્ષા પરિષદો)
·         ગ્રાહક મંડળો કે પરિષદો બિનરાજકીય અને બીનધંધાકીય ધોરણે ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે રચાયેલા ગ્રાહક મંડળો છે. 
·         ગ્રાહક મંડળો નો મુખ્ય હેતુ ગ્રાહકોના અધિકારો એ જાગૃતિ તથા પ્રોત્સાહન આપવા તથા તેના હક્કોની સુરક્ષા માટેની નીતિઓ ના ઘડતરમાં સરકારોને મદદ કરવાનો છે.
·         ગ્રાહક મંડળો  ગ્રાહક જાગૃતિ ઝુંબેશરૂપે ગ્રાહક શિક્ષણ આપે છે.
·         ગ્રાહક મંડળો કે સંગઠનો દ્વારા 'ગ્રાહક સુરક્ષા', 'ઈનસાઈટ', 'ધી કન્ઝ્યુમર', 'ગ્રાહક મંચ' જેવા  માસિક,દ્વિમાસિક મેગેઝીનો કે સામાયિકો પ્રકાશિત કરીને ગ્રાહક જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે.  
·       જાહેર વિતરણ પ્રણાલી(PDS)
·         જાહેર વિતરણ પ્રણાલી મારફત 'વાજબી ભાવની દુકાનો' દ્વારા નિયમિતપણે, સારી ગુણવત્તાવાળો માલ, નિયત જથ્થામાં રાહતદરે અનાજ કે અન્ય વસ્તુઓ પૂરી પાડે છે
·       તોલમાપ અને ચીજવસ્તુઓની શિદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર

·         ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલ માલસામાન, વસ્તુઓની ગુણવત્તા અને શુદ્ધતાની તપાસણી, ચકાસણી કરીને તેને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે.
  Ø  ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે 1947માં 'ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટીટયુટ '(ISI) નામની સંસ્થા સ્થાપી હતી. જે પાછળથી ઇસ 1986માં 'બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ઝ' નામે ઓળખાય છે. યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને 'ISI' માર્કો ઉત્પાદકીય  ઉપકરણ પર વાપરવાની છૂટ આપે છે.
  Ø  ખેતી પર આધારિત ચીજ-વસ્તુઓ, વનપેદાશો, બાગાયતી અને પશુ પેદાશોની ગુણવત્તાના માનક એગમાર્ક લગાડવા નો કાયદો ખેતીવાડી ઉત્પન કાયદો- 1937 હતો.
  Ø  ભારત સરકારના 'ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા'(DMI)  દ્વારા એગમાર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે.
  Ø  ગ્રાહકને માર્કા સંબંધી શંકા જાગે તો તે BIS ના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે.
  Ø  આ ઉપરાંત સોનામાં દાગીનાની ખરીદી વખતે પણ 'BIS'  માર્કોની સાથે સોનાની શુદ્ધતાનો નંબર દા.ત 916 એટલે 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતું  માર્ક, 'હોલમાર્ક' કેન્દ્રનો લોગો, 'J'   જે તે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિન્હ.
  Ø  એફ. પી. ઓ.(FPO-Food Product Order) નો માર્કો જામ, ફ્રુટ, જ્યુસ, કેન કે, ટીનમાં પક કરેલા ફળો અને શાકભાજીના ઉત્પાદક વસ્તુ પર લગાડવામાં આવે છે .
  Ø  આઈ. એસ. આઈ (ISI)  ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબર પ્લાસ્ટિકની બનાવટો, સિમેન્ટની ધાતુઓ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર આ માર્કો BIS દ્વારા લગાડવામાં અપાય છે.
  Ø  વુલમાર્ક માર્કો- ઉનની બનાવટો અને પોશાક ને આપવામાં આવે છે.
  Ø  એમ. પી. ઓ.(MPO- Meat processing Optimiser)- માર્કો માસ, મટનની પેદાશો અને તેમાંથી બનેલ બનાવટોને અપાય છે.
  Ø  એચ. એ. સી. સી. પી. (HACCP- હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઇન્ટ) માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકના ઉત્પાદનોને BIS દ્વારા અપાય છે.
  Ø  ઇ. સી. ઓ.(ECO)- માર્કો સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ ઓઇલ પેકેજીંગ મટીરીયલ, રંગરસાયણો, પાવડર કોટિંગ, બેટરી, સૌંદર્યપ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિક ની બનાવટોને ISI ( ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યૂરો) દ્વારા અપાય છે, જે હવે BIS છે.
 
આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાઓ
1.       આઇ.એસ.ઓ.(ISO ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઈઝેશન ઓર્ગેનાઇઝેશન) જેનું મુખ્ય મથક ' જીનીવા'માં છે. જેની સ્થાપના 1947માં થઈ હતી, જેનું કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી ISO-9000 આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને તથા સંસ્થાઓને આપવામાં આવે છે.
2.       કોટેક્ષ એલીમેન્ટરીયસ કમિશન (CAC):  ખોરાક ને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે. તેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણીત કરવાનું કાર્ય કરે છે. આ કમીશનની સ્થાપના 1963માં 'ખાદ્ય તથા ખેતી સંગઠન(FAO) અને વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) દ્વારા કરવામાં આવી છે. તેનું મુખ્યમથક ઇટાલીના રાજધાની રોમમાં છે. ભારતમાં ISO સાથે સંપર્ક ની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે.
ફરિયાદ કોણ દાખલ કરી શકે છે અને ક્યાં?
·         જ્યારે માલ કે સેવામાં ત્રુટિ કે ખામી જણાય ત્યારે અથવા કરાર હેઠળ કે કાયદા હેઠળ જેનું પાલન કરવું જરૂરી હોય તે કાર્ય કરવાની રીતમાં રહેલી અપૂર્ણતા કે ખામી ને સેવામાં ઉણપ ગણાય. આમ વસ્તુઓની ગુણવત્તા, પ્રકાર અને શુદ્ધતા, વજનસંબંધી ઘટ કે બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે.
ફરિયાદ કેવી રીતે કરવી 
·         ફરિયાદની અરજી સરળ સ્પષ્ટ, સાદીસરળ ભાષામાં ટાઈપ કરીને કે હસ્તાક્ષરમાં કે ઈ-મેલથી કરી શકે.
·         ફરિયાદનો વિગતપૂર્ણ વર્ણન, ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ લખવા.
·         આરોગ્ય સંદર્ભે જે કોઈ આધાર-પુરાવા કે દસ્તાવેજો હોય તેની પ્રમાણિત નકલો બીડવી.
·         બિલ, બિલની કાચી/પાકી રસીદ બીડવી.
·         વિક્રેતાએ કરેલી શરતો, જાહેરખબરની નકલ ગેરંટી કે વોરંટીકાર્ડ પેમ્પફ્લેટ્સ કે પ્રોસ્પેકટર્સની નકલ બીડવી.
·         અરજી સાથે માંગેલ વળતરના દાવાની રકમ અનુસાર નિયમો મુજબ ફી ભર્યેથી જે તે ગ્રાહક ફોરમમાં (કોર્ટમાં) ફરિયાદ દાખલ થઇ શકે છે.
·         ગ્રાહક, ફરીયાદ થવા નું કારણ ઉદ્ભવે તેના બે વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે.
·         ગ્રાહક સંબંધિત ફરિયાદ કરવા કે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા કે માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની હેલ્પલાઇન ટોલફ્રી નંબર 1800-233-0222  રાષ્ટ્રીય કક્ષાએ હેલ્પલાઇન નંબર 1800-114000  ઉપરથી માહિતી મેળવી શકે છે.                              

kids drawing easy